Shree Bharatimaiya College of Optometry & Physiotherapy   

Trustee's Message

જય અંબે, 

શ્રી અંબિકાનિકેતન મંદિર આજે એક બીજ માંથી વિશાળ વટવૃક્ષ સ્વરૂપ ધારણ કરી ચૂક્યું છે, પરંતુ ભૂતકાળમાં નજર કરું છું તો સમજાય છે કે તાપી નદી ના કેટલા નીર વહી ગયા. સને. 1971 તા. 21/05/1971 માં મારા લગ્ન શ્રી ભારતસિંહ ગેમલસિંહ મકવાણા સાથે થયા જેઓ પૂ. ભારતીમૈયાના પુત્ર છે. આ સમયે મંદિરની સ્થાપનાને બે જ વર્ષ થયા હતા અને મારુ ભારતીમૈયાના ઘરે પુત્રવધુના રૂપમાં આગમન. મારુ પિયર સુરત નજીક આવેલ મગોબ ગામ અને મારા સાસરીયા સૌરાષ્ટ્રના, અલગ અલગ માહોલ અને જુદા જુદા રીતરિવાજો વચ્ચે દક્ષિણ અને પશ્ચિમ નો સમન્વય, પરંતુ માં અષ્ટભુજાની કૃપા તથા પૂ. ભારતીમૈયાના આશિર્વાદથી નવા પરિવારમાં બહુ સરળતાથી ભળી જવામાં કોઈ તકલીફ ન પડી. ઘરમાં ભક્તિમય વાતાવરણ, સેવાકીય અને સાદગીપૂર્ણ સાસુસસરાના સાનિધ્યમાં સમય પસાર થતો ગયો. મંદિરની ખ્યાતિ દિનબદિન વધતી ગઈ અને સમાજસેવાની પ્રવુત્તિઓનો વ્યાપ પણ વધતો રહ્યો. અચાનક તા. 18/03/1991 ચૈત્ર સુદ ત્રીજના રોજ ભારતીમૈયાના આકસ્મિક દેહવિલયથી સંસ્થાની સંપૂર્ણ જવાબદારી અમારા શિરે આવી. શરુ શરુ માં એ ચિંતા રહેતી કે આટલી મોટી જવાબદારી કઈ રીતે ઉપાડી શકીશું? પરંતુ અમારી સાથે પૂ.બા., બાપુજીના સંસ્કાર તથા માં અષ્ટભુજા અંબિકાના આશિર્વાદ હતા અને અમને આત્મવિશ્વાસ હતો કે જે જવાબદારી પૂ.બા. અમને સોંપી ગયા છે તે અમે સુપેરે પાર પાડીશું અને આજે આપણે જયારે સુવર્ણજયંતિ વર્ષ મહોત્સવની તૈયારી કરી રહ્યા છીએ ત્યારે એ આત્મસંતોષ છે કે પૂ.બા. એ જે જનસેવાની જ્યોત પ્રગટાવી હતી તેમાં નવા નવા સેવા કાર્ય જેવા કે ભારતીમૈયા આઈ હોસ્પિટલ, ફિઝિયોથેરાપી કોલેજ, વૃધ્ધાશ્રમ, ભારતીમૈયા વિદ્યાસંકુલ, પ્રાણીકલ્યાણ ટ્રસ્ટ, ગૌશાળા, ભારતીમૈયા મેમોરિયલ ફોઉન્ડેશન જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિની જ્યોત પ્રજ્વલિત રાખી, પૂ.બા એ કંડારેલી સેવાની આ કેડી પર આગળ વધતા પૂ.ભારતીમૈયાના જીવનમંત્રને સાર્થક કરવા "જનસેવા એ જ પ્રભુસેવા" મંત્રને આત્મસાત કરવાનો આજીવન પ્રયાસ રહેશે, સમાજમાંથી જે મળ્યું છે તેને સમાજના કલ્યાણના ઉપયોગમાં લઇ સમાજ તથા દેશ-વિદેશના દાતાશ્રીઓ અને માં ના ભક્તજનો એ ઓ નો હમેશા સહયોગ મળતો રહ્યો છે તેમની સદા ઋણી છું.

"સૌનું કરો કલ્યાણ દયાળુ માં સૌનું કરો કલ્યાણ" 

શ્રીમતી ચંદ્રિકાબેન ભારતસિંહ મકવાણા 


જય અંબે, 

હમણાં જ મારો પુત્ર રૂપેન્દ્રસિંહ મારી પાસે આવ્યો, કહ્યું પપ્પા સ્મરણિકામાં કઈ લખો, આ સાથે જ હું અતીતમાં ખોવાઈ ગયો શું લખું ? ક્યાંથી શરુ કરું, શ્રી અંબિકાનિકેતન ટ્રસ્ટના મુખ્ય સ્થાપક પૂ.ભારતીમૈયા જેવા મારા બા (જન્મદાતા) તથા ગનુભાઈ મકવાણા (ગેમલસિંહ) મારા પિતાજી. પૂ.બા નું ભક્તિમય અને સાદગીભર્યું જીવન તથા ગાંધીવાદી વિચારક આદર્શ શિક્ષક પિતાજી આ બંને ની છત્રછાયામાં અમે મોટા થતા ગયા. આ વર્ષે માં અષ્ટભુજા અંબિકાની પ્રતિસ્થાના સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે અતીતમાં નજર કરું છું તો ઘણું બધું યાદ આવે છે. પરંતુ સ્થાપના સમયે પૂ.બા ની વાત આપણે ધર્મલાભ માટે ધર્મસ્થાપનો આશ્રય લઈએ છીએ. જેણે આપ્યું છે તેને યત્કિન્ચિત ધરીને કૃતકૃત્ય થઈએ છીએ અને પાપનો પશ્ચાતાપ કરીને હળવા પણ થઈએ છીએ, કેટલાંક ધર્મસ્થાનો એવા છે કે જે લોકો પાસેથી જે મેળવે છે તે લોકકલ્યાણ અર્થે વાપરી પણ જાણે છે અને લોકોના આધિ, વ્યાધિ અને ઉપાધિઓને દૂર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન કરે છે. જનસમાજને જ્ઞાન અને સંસ્કારની કોઈક શિક્ષણસંસ્થા સારું કરી, તો વળી તંદુરસ્ત સમાજના ભાગરૂપે જરૂરતમંદ નાગરિકો માટે રાહતદરની હોસ્પિટલ અને સારવાર કેન્દ્રો ઉભા કરી સમાજને ઉપયોગી થાય છે. 

આવા ધર્મસ્થાનો લોકો માટે આદરણીય બની રહે છે. પૂ. ભારતીમૈયાનું સ્વપ્ન-તીર્થ શ્રી અંબિકાનિકેતન પણ આવું જ એક ધર્મસ્થાન છે, લોકકલ્યાણની અનેક પ્રવૃત્તિઓનો નિરંતર પ્રવાહ આ તીર્થમાંથી વહેતો રહ્યો છે અને માં ના ચરણોમાં આવેલ દેવદ્રવ્ય સમાજના જ કલ્યાણા અર્થે વાપરી પૂ.બા ના આ સ્વપ્ન સોપાન એક પછી એક સાકાર થતા આવ્યા છે, આ જનકલ્યાણ ની સદભાવના અવિરત વહેતી રહે એવી સુવર્ણજયંતિ વર્ષ નિમિત્તે શુભકામના।

અસ્તું: 

શ્રી ભારતસિંહ ગેમલસિંહ મકવાણા